કોલસાની અછતના કારણે હાલમાં દેશમાં વીજ ઉત્પાદનને અસર થઈ છે અને કેટલીક જગ્યાએ માત્ર એક દિવસ ચાલે તેટલો કોલસાનો પૂરવઠો રહ્યો છે. વિવિધ રાજ્યોમાં ગમે ત્યારે લાઈટ જઈ શકે છે તેવા અહેવાલો આવી રહ્યા છે, પરંતુ ઉર્જા મંત્રી આર કે સિંહ આ વાતને ફગાવી દીધી છે.
ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે વીજ ઉત્પાદનની કોઈ કટોકટી નહિ સર્જાય. દિલ્હીને જરૂરી વીજળીનો પૂરવઠો મળતો રહેશે. કોલસા મંત્રાલયે ખાતરી આપી છે કે પાવર પ્લાન્ટની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં કોલસો ઉપલબ્ધ છે. વીજ પૂરવઠો કપાઈ જશે તેવી બધી વાતો ખોટી છે.
મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યારે લગભગ 72 લાખ ટન પાવર પ્લાન્ટનો જથ્થો છે. જે ચાર દિવસ માટે વીજ ઉત્પાદન માટે પૂરતો છે. ભારતમાં તમિલનાડુ અને કર્ણાટકે જણાવ્યું છે કે ગમે ત્યારે વીજળીની અછત થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાનો ભાવ વધવાના કારણે આ વર્ષે કોલસાના આયાતમાં ઘટાડો થયો છે. આ અછતની ભરપાઈ માટે સ્થાનિક કોલસાનો ઉપયોગ કરાયો જેથી સ્ટોક ઘટી ગયો હતો. ઉદાહરણ તરીકે ઇન્ડોનેશિયામાં માર્ચમાં કોલસાનો ભાવ 60 ડોલર પ્રતિ ટન હતો જે સપ્ટેમ્બરમાં વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ ગયો.