HomeNewsઅનોખી પ્રેમકથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધ ચોકીદારને ઓસ્ટ્રેલિયાથી મળવા આવશે પ્રેમિકા

અનોખી પ્રેમકથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધ ચોકીદારને ઓસ્ટ્રેલિયાથી મળવા આવશે પ્રેમિકા

પ્રેમ કદી છુપો રહી શકતો નથી . આજે પણ દુનિયાભરમાંથી એવી કહાણીઓ સામે આવતી રહે છે જે ફરીને ફરી આપણને પ્રેમમાં વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. આવી જ એક પ્રેમકહાણી રાજસ્થાનના રણપ્રદેશ થારના કુલધારા ગામથી સામે આવી છે. આ ઉજ્જડ ગામના એકમાત્ર રહેવાસી 82 વર્ષીય ચોકીદાર છે. તેમણે પોતાનું મોટાભાગનું જીવન લગભગ આ જ ગામમાં વિતાવ્યું છે. તેમની પ્રેમકહાણી 50 વર્ષ પહેલા શરૂ થઈ હતી. ઓસ્ટ્રેલિયાથી જેસલમેર ફરવા આવેલી યુવતી (મરીના) આ રાજસ્થાની ચોકીદારને દિલ આપી બેઠી હતી .

આ ચોકીદારે ‘હ્યુમન્સ ઓફ બોમ્બે‘ નામના પેજ સાથે હાલમાં જ પોતાની લવસ્ટોરી શેર કરી છે. પાંચ દશકા પહેલા તેઓ યુવાન હતા અને હાલ ઉંમર 82 વર્ષ છે. તેમણે જણાવ્યું કે, આ પહેલી નજરનો પ્રેમ હતો અને અમે બંને એકબીજા સામેથી નજર હટાવી શકતાં નહોતા.

“જ્યારે પહેલીવાર મરીના સાથે મારી મુલાકાત થઈ ત્યારે મારી ઉંમર 30ની આસપાસ હતી. તે ડેઝર્ટ સફારી માટે ઓસ્ટ્રેલિયાથી જેસલમેર આવી હતી. તેની ટ્રીપ પાંચ દિવસની હતી. આ દરમિયાન મેં તેને ઊંટ ચલાવતા શીખવ્યું હતું. આ સમય હતો 1970નો અને એ દિવસોમાં પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતો.આખી ટ્રીપ દરમિયાન અમે એકબીજા પરથી નજર નહોતા હટાવી શક્યા. ઓસ્ટ્રેલિયા જતા પહેલાં તેણે મને ‘આઈ લવ યુ’ કહ્યું હતું. હું શરમથી લાલ થઈ ગયો હતો. કોઈએ મને ક્યારેય આ શબ્દો કહ્યા નહોતા. મને એટલી શરમ આવી હતી કે હું જવાબમાં એક પણ શબ્દ ના ઉચ્ચારી શક્યો”,

વૃદ્ધે પોતાની વાત આગળ વધારતાં જણાવ્યું કે , ” મરીના સમજી ગઈ અને અમે સંપર્કમાં રહેવા લાગ્યા. મરીના દર અઠવાડિયે મને પત્ર લખતી હતી. ટૂંક સમયમાં જ તેણે મને ઓસ્ટ્રેલિયા આવવાનું આમંત્રણ આપ્યું અને મારી ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ. મારા પરિવારને જાણ કર્યા વિના જ મેં 30,000 રૂપિયાની લોન લીધી, ટિકિટ ખરીદી, વીઝાની વ્યવસ્થા કરી અને ફ્લાઈટમાં બેસીને તેની પાસે પહોંચી ગયો. ઓસ્ટ્રેલિયાના એ ત્રણ મહિના જાદુઈ સ્વપ્ન સમાન હતા. તેણે મને અંગ્રેજી શીખવ્યું અને મેં તેને ઘૂમર કરતાં શીખવ્યું. પછી તેણે એક દિવસ મને કહ્યું કે, ચાલ, લગ્ન કરીને ઓસ્ટ્રેલિયામાં જ વસી જઈએ. ત્યારે પરિસ્થિતિ વિકટ બની ગઈ હતી.”

“હું મારી માતૃભૂમિ છોડવા તૈયાર નહોતો અને તે પણ કાયમી ધોરણે ભારતમાં આવી રહેવા તૈયાર નહોતી. મેં તેને કહ્યું કે- ‘આ રીતે લાંબો સમય નહીં ચાલે’ અને અમે ભારે મને છૂટા પડી ગયા. આ જરા પણ સહેલું નહોતું જે દિવસે હું ભારત આવવા નીકળ્યો એ દિવસે મરીના ખૂબ રડી હતી. પણ મારે તેને જવા દેવી જ યોગ્ય હતી. પછી જિંદગી આગળ વધતી રહી. થોડા વર્ષો બાદ પરિવારના દબાણને વશ થઈને મેં લગ્ન કરી લીધા.ત્યાર બાદ ઉજ્જડ અને ભૂતિયા ગામ કુલધારામાં મેં ચોકીદારની નોકરી લીધી જેથી મારા પરિવારનું ભરણપોષણ કરી શકું”,

લગ્ન કરી લીધા બાદ સંસાર પણ વસાવી લીધો .પરંતુ તેમના મનમાં તો મરીના જ રમતી હતી. યુવાનીના દિવસો યાદ કરતાં ચોકીદારે આગળ કહ્યું, “હું અવારનવાર મરીના વિશે વિચારતો હતો. ‘શું તેણે લગ્ન કરી લીધા હશે?’ ‘શું હું ફરી ક્યારેય તેને જોઈ શકીશ?’ આ સવાલો મગજ માં વારંવાર આવતા હતા પરંતુ હું ક્યારેય તેને પત્ર લખવાની હિંમત ના કરી શક્યો. સમય વિતતો ગયો તેમ પ્રેમની યાદો ધૂંધળી પડતી ગઈ અને હું મારી પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયો. બે જ વર્ષ પહેલા મારી પત્નીનું અવસાન થયું છે. મારા બધા જ દીકરાઓ પરણી ગયા છે અને તેઓ બીજે રહેવા જતા રહ્યા છે. અને હું 82 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ ભારતના ભૂતિયા ગામની ચોકીદારી કરી રહ્યો છું.”

“જ્યારે મેં વિચાર્યું કે જિંદગી આ ઉંમરે શું સરપ્રાઈઝ આપશે ત્યારે જ ચમત્કાર થયો. એક મહિના પહેલા જ મને મરીનાનો પત્ર મળ્યો અને તેણે મને પૂછ્યું, ‘કેમ છે મારા મિત્ર?’ 50 વર્ષ પછી પણ તેણે મને શોધી કાઢ્યો. ત્યારથી તે મને રોજ ફોન કરે છે. એવી ઘણી વાતો છે જે અમે એકબીજા સાથે કરીએ છીએ. મરીનાએ જણાવ્યું કે તેણે લગ્ન નથી કર્યા અને હવે તે ટૂંક સમયમાં જ ભારત આવી રહી છે. રામજીના સોગંધ હું ફરીથી 21નો થઈ ગયો હોઉં તેવું લાગે છે. મને નથી ખબર કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે પરંતુ મારો પહેલો પ્રેમ જીવનમાં પાછો આવી રહ્યો છે અને હું રોજ તેની સાથે વાત કરું છું. આ પ્રેમની લાગણી શબ્દોમાં વર્ણવી શક્ય નથી”,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version